Archive

Archive for ઓક્ટોબર, 2009

સંબંધો-કાચનાં રમકડાં

ઓક્ટોબર 14, 2009 1 comment

nit
દરેક વસ્તુની એક સીમા હોય છે. એ સીમાને અનુસરવી ખૂબ જ જરૂરી હોય છે. જો એ સીમાનું પાલન કરવામાં આવે તો વિકાસ થઈ શકે, નહિતર વિનાશ પણ થઈ શકે. સંબંધોને પણ આ જ વાત લાગુ પડે છે. સંબંધોની સીમા તો અતિશય નાજૂક હોય છે. એટલે જ સંબંધો એ કાચનાં રમકડાં જેવાં છે. કાચના રમકડાંથી રમવાની છૂટ હોય છે પરંતુ તમે કેવી રીતે રમો છો તેનાં પર બધો આધાર છે. જો તે રમકડાં સાથે યોગ્ય રીતે નહીં રમવામાં આવે તો તે તૂટવાનો ચોક્કસ ભય રહેશે. અને બીજું, કે આ રમકડાંને માટે એક
નિયમ એ લાગુ પડે છે કે આ રમકડાંને ફરીથી જોડી શકાતાં નથી. તે એક વખત તૂટી જાય પછી
કદાચ આપણે તેને જોડવાનો પ્રયાસ કરીએ તો પણ તેમાં કાયમ માટે તિરાડ રહી જાય છે.

એક પ્રસંગકથા છે જેનું નામ છે ‘બા નો ફોટોગ્રાફ’. એ કથામાં ‘બા’ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશાં ઘરમાં ઢસરડો કરે છે. બા આખો દિવસ પોતાનાં કામકાજ કર્યા કરે છે. પરંતુ આખી જિંદગીમાં કોઈ દીકરાએ બા પર ધ્યાન આપ્યું નહીં. બા હંમેશાં બધાની સંભાળ રાખતાં. આખરે એક દિવસ બા મરણપથારીએ પડ્યાં. ત્યારે બાને તેમનાં દીકરાઓએ કહ્યું કે, બા ચાલો તમારો ફોટો પડાવવાનો છે. કારણ એ હતું કે દીકરાઓ બાનાં ફોટોગ્રાફને ભીંત પર લગાડવા માંગતા હતા. અંતિમ સમયે તેમને એક સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યા ત્યારે ફોટોગ્રાફરે બાને સહેજ સ્મિત કરવાનું કહ્યું. બા રડી પડ્યાં. બાની આખી જિંદગીનો હૈયાનો બોજ આંસુ રૂપે વહી રહ્યો હતો. બા સંબંધોને નિભાવી જરૂર શક્યા હતા પરંતુ સંબંધોને જીવી શક્યા ન હતા.

માણસ એક સંવેદનશીલ જીવ છે. એટલે જો તમે તેની લગામ હાથમાં રાખીને તેને દોરવવા માંગો તો તે દોરાઈ શકે નહીં. પશુની લગામ એ કદાચ લાકડી હોઈ શકે પરંતુ માણસ માટે તો પ્રેમનો તાંતણો જ હોઈ શકે. પ્રેમનો તાર કે જે હૃદયથી હૃદય સાથે જોડાય છે. કોઈ શેઠ, કોઈ શિક્ષક કે કોઈ પણ માતા-પિતાને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય ત્યારે એ સંબંધમાં જીવ માત્ર પ્રેમથી જ પૂરી શકાય. સંબંધો જેટલાં કાચ જેવાં નાજૂક હોય છે તેટલાં જ પારદર્શક હોય છે કે જેથી આરપાર બધું જોઈ શકાય છે. કોઈ પણ શંકા, નફરત કે ગેરસમજ સંબંધોના સરોવરને એક જ ક્ષણમાં સુકવી નાંખે છે. લાગણીઓનાં દુષ્કાળને ચોમાસાની ઋતુ સુધી રાહ જોવાની પણ જરૂર હોતી નથી !

હમણાં જ તાજેતરમાં એક વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ બન્યું. એ વ્યક્તિ એક સરકારી કચેરીમાં મેનેજર હતાં. તેમની બદલી થઈ અને તેઓ નવી ઑફિસમાં જોડાયાં. ઑફિસમાં પહેલે દિવસે તેમનો પ્રવેશ થતાં જ બધાં હાથ નીચેના કર્મચારીઓએ ઊભા થઈને માન વ્યક્ત કર્યું. માત્ર એક જ વ્યક્તિ બેસી રહ્યો હતો. મેનેજરને તે વ્યક્તિ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પોતાનો રોષ ઠાલવવા જતાં હતાં ત્યાં જ તેમની નજર ખુરશીની બાજુમાં પડેલી ઘોડી પર પડી. તે ભાઈ અપંગ હતાં. મેનેજરને થયું કે જો આજે ગેરસમજને કારણે હું કંઈ પણ બોલી ગયો હોત તો હું જિંદગીભર મારી જાતને માફ ન કરી શકત. એક જ ક્ષણમાં કચકડાં જેવાં સંબંધોના ટુકડા થઈ જાત. કાચનાં ટુકડાઓને તો હજુ વીણી શકાય છે અને એ વીણતી વખતે પગમાં ઈજા થઈ શકે અને લોહીનું ખાબોચિયું થઈ શકે પરંતુ સંબંધોનાં અદશ્ય ટુકડાઓ તો હૃદયને જ ઈજા પહોંચાડે છે અને આંસુનો દરિયો વહી જાય છે.

સ્નેહને સીમા ના હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવે કિન્તુ હોશમાં,
કે વધુ ટકરાઈ પડતાં જામ ફૂટી જાય છે.
– ‘બેફામ’

– તન્વી બુચ
રીડ ગુજરાતી માથી

Advertisements

મનમળે તે મૈત્રી

ઓક્ટોબર 13, 2009 1 comment

freinds
મહાભારત વિશે કહેવાયું છે કે તેમાં સર્વ સંબંધોનો સમાવેશ થયો છે, ‘જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.’ પૂર્વજો-વંશજો, પિતા-પુત્ર, માતા-પુત્રો, પતિ-પત્ની, ભાઈ-ભાંડરાંઓના અનેક પ્રકારના સંબંધો મહાભારતમાં નિરૂપાયા છે. મહાભારત મૈત્રી-સંબંધોનાં ત્રણ દષ્ટાંત નિરૂપે છે : કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને અર્જુન તથા દુર્યોધન અને કર્ણ. કૃષ્ણ-સુદામાની મૈત્રી બાળપણની છે. એક અકિંચન બ્રાહ્મણ છે, બીજો ઐશ્વર્યવાન રાજવી છે. વર્ષો પછી મિત્રો મળે છે. તરત એકતાનતા સધાય છે. મિત્રને કૃષ્ણ ન્યાલ કરે છે, પણ ઉઘાડા દેખાડાથી નહીં. ડાબા હાથને ખબર ન પડે એમ જમણા હાથથી.

કૃષ્ણ અને અર્જુનનો મિત્ર-સંબંધ જુદા પ્રકારનો છે. યુવાવયે જન્મેલી સગાં-સંબંધી વચ્ચેની એ મૈત્રી છે. કૃષ્ણ અવતાર હોવા છતાં અર્જુનને સરખેસરખો ગણી સલાહ-માર્ગદર્શન આપે છે. હંમેશાં અણીને વખતે મદદે પહોંચી જાય છે. અર્જુનની ઈચ્છા પૂરી કરવા મોટા ભાઈના વિરોધ છતાં ચતુરાઈથી બહેન સુભદ્રાને અર્જુન સાથે ભગાડી મૂકે છે. સખા અર્જુનનો વિષાદ કૃષ્ણ દૂર કરે છે, તેની પડખે છતાં અલિપ્ત રહી દાર્શનિકની જેમ માર્ગદર્શન અને સહાય કરે છે. કર્ણ અને દુર્યોધનની મૈત્રી વળી જુદી છે. દુર્યોધનની જરૂરતમાંથી એ ઊભી થાય છે, પણ પછી પરસ્પર આદર-સ્નેહમાં એ મૈત્રી રૂપાંતર પામે છે. પાંડવપુત્રને માત કરવા દુર્યોધન કર્ણને મિત્ર બનાવે છે. બંને ગાઢ મિત્રો બને છે ને તરત સ્વાર્થ ઓગળી જાય છે. ગુરુ દ્રોણ, સલાહકાર મામા કે આદરણીય ભીષ્મપિતામહ, સર્વને અવગણી દુર્યોધન મિત્ર કર્ણમાં ભરોસો મૂકે છે, તેને મહત્વ આપે છે. કુંતીપુત્ર બનવાની, જ્યેષ્ઠ પાંડવ થવાની અને પતિ તરીકે દ્રૌપદીને ભોગવવાની અપાયેલી લાલચ તરછોડી મિત્ર તરીકે કર્ણ દુર્યોધન સાથે ઊભો રહે છે.

મૈત્રી માટે વય, જાતિ, જ્ઞાતિ, એકસરખો રસ, આર્થિક સ્થિતિ, મોભા કે મરતબાની એકરૂપતા અનિવાર્ય નથી. કશાનો બાધ નથી. મૈત્રીની શરૂઆત અનાયાસ, અકારણ, અકસ્માત કે સ્વાર્થને કારણે પણ થાય પણ એ સાચી મૈત્રીમાં પરિવર્તન પામે ત્યારે મૈત્રી નિરભ્ર આકાશ બની નિર્વ્યાજ, નિ:સ્વાર્થ છત્રનો છાંયો આપે. સંસ્કૃતમાં ‘મિત્ર’ શબ્દનો એક અર્થ છે, ‘સૂર્ય’. મિત્રને સૂર્યનો પર્યાય ગણવો સ-અર્થક છે. અંધકાર ફેડનાર સૂર્ય પ્રકાશ-દર્શક છે, મૂંઝવણ દૂર કરનાર મિત્ર પથદર્શક છે. સૂર્ય ઉષ્મા આપે છે, મિત્ર હૂંફ આપે છે. જળ ધરતીનું સિંચન કરે છે, પણ જીવન સૂર્યના તાપથી પ્રગટે છે : ઘાસ લીલું થાય, કૂંપળ ફૂટે, છોડ પાંગરે, કળી ઊઘડી પ્રફુલ્લ બને, વસંત મોરે, વૃક્ષ વિકસે અને ધન પાકે, એ બધો સૂર્યનો પ્રતાપ. અન્ય સંબંધો ભીના ભીના છે, પણ મિત્ર-સંબંધ જીવનને જીવંત બનાવે છે. સૂર્યનાં કિરણોમાં મેઘઘનુષના સપ્તરંગ છે, મિત્રના સ્નેહમાં જીવનના સર્વ રંગ છે. માતાપિતા અને કુટુંબનો સંબંધ લોહીનો છે, મિત્રનો સંબંધ હૃદયનો છે.

[‘પાંદડે પાંદડે રેખા’ પુસ્તકમાંથી સાભાર.]
– સં. મહેશ દવે

ઝૂકનારો જીતે

ઓક્ટોબર 12, 2009 2 comments

praying-hands
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !

– આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
[‘હું મારી જ શોધમાં’ પુસ્તકમાંથી સાભાર.]રીડ ગુજરાતી

Categories: વાંચવા જેવુ ટૅગ્સ:,

ચિંતા ટાળી ચિંતન કરીએ

ઓક્ટોબર 11, 2009 1 comment

alone_by_buaiansayapanomali
ચિંતાતુર માણસનો ચહેરો જોજો, તેનામાં સ્ફૂર્તિ નહિ હોય, તે સૂનમૂન હશે. હતાશા એને ઘેરી વળેલી જણાશે. આ ચિંતા બહુ નકામી છે. ઢોલા મારુ કહે છે : ‘ચિંતાએ સારા જગતને બાંધ્યું છે, પણ ચિંતાને કોઈ બાંધી શક્યું નથી. જે મનુષ્ય ચિંતાને વશ કરી લે છે તે સિદ્ધિ પામે છે.’

સફળતા પામવામાં કેટલાંક પરિબળો નડતરરૂપ નીવડે છે. તેમાં ચિંતાનો ક્રમ પહેલો છે. માણસ કાલ્પનિક ભયથી ડરીને ચિંતા કરે છે ને ક્રમશ: તે નકારાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. તેને બધે જ બધું જ નકામું દેખાય છે. તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ‘હું તો નકામો છું, મારાથી આ તો થાય જ નહિ. આ મારી શક્તિ બહારની બાબત છે….’ આવું આવું વિચારીને તે નિષ્ક્રિય બેસી રહે છે. વધુ વિચારો કરવા માંડી વાળવાથી બહુ રાહત રહે છે. કામમાં પરોવાયેલા રહેવું. બહુ વિચારો કરવાથી મગજ બહેર મારી જાય છે ને ચિંતિત બની જવાનો ભય રહે છે.

કાલ્પનિક મુશ્કેલીથી માણસ ડરી જાય છે. સોમવારે મારા પર આફત ત્રાટકશે એમ કલ્પી લઈને માણસ ગુરુવારથી જ ચિંતાના દબાણ હેઠળ આવી જાય છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ – આમ એના ચાર દિવસ નિષ્ક્રિયતામાં વીતે છે. પછી સોમવારે એના પર આફત ન ત્રાટકે ત્યારે એને એમ થાય છે કે હું નાહકનો ડરી ગયો હતો. જેમ પડશે તેમ દેવાશે એવું મનોવલણ કેળવીને માણસે મુક્ત રહેવું જોઈએ. પ્લિની કનિષ્ઠના મતે – ‘દુ:ખની તો સીમા હોય છે, જ્યારે ચિંતા અસીમિત હોય છે.’ ચિંતાથી માણસ શારીરિક સ્વાસ્થ્ય પણ ગુમાવતો થાય છે. ચિંતા એને ગળી જાય છે અને કેરીના ગોટલા જેવો કરી નાખે છે. ચિંતા વિશે ગાંધીજી કહે છે કે – ‘રચનત્મક ધ્યેયની પૂર્તિ માટે વિવિધ ઉપાયોનું મનન કરવા પૂરતી ચિંતા ઈચ્છનીય છે પણ જ્યારે તે શરીરને જ ખાવા લાગે ત્યારે તે અનિચ્છનીય છે કારણ કે પછી તો તે પોતાના ધ્યેયને જ ખોઈ બેસે છે.’

માણસ ધ્યેય વગરનો બને ત્યારથી તેનું સાચું જીવન સમાપ્ત થઈ ગયેલું જાણવું. પશુ-પક્ષીઓને ખાવા-પીવાનું ને પ્રજનનનું જ ધ્યેય હોય છે, આપણે મનુષ્યો આ ધ્યેયને ગૌણ ગણી બીજાના હિતનો પણ વિચાર કરીએ છીએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે એમ માનીએ છીએ. ચિંતા કરો પણ સચ્ચારિત્ર્યની અને ઉન્નતિની કરો. હકારાત્મક અભિગમ કેળવો ને આગળ વધતા રહો. જ્યારથી તમે અન્યના સુખનો વિચાર કરીને જીવવા માંડશો ત્યારથી તમારું જીવન ઉન્નતિને પંથે ગતિ કરશે એમ માની લેજો. ચારિત્ર્યનું જતન કરવામાં જરાય પાછી પાની ન કરતા. તમારું મૂલ્ય લોકો તમારા સચ્ચારિત્ર્યને જોઈને-અનુભવીને કરતા રહેશે. મૂઢ બનીને બેસી ન રહેશો. ઉન્નતિ કરવા મથતા રહેજો. આર્થિક ઉન્નતિ અમુક હદ સુધી બરાબર છે પણ ખરી ઉન્નતિ તો લોકકલ્યાણનાં કાર્યો કરવાથી થાય છે. પીડિત લોકોની વહારે ધાતાં શીખો. એમની પીડા તમે ઓછી કરી શકો, દૂર કરી શકો એ તમારી ખરી કમાણી છે.

તમે મહાપુરુષોની રહેણીકરણી તપાસશો તો તરત સમજાશે કે તેઓ સદા લોકોના હિત ખાતર જ પોતાની શક્તિ, બુદ્ધિ, ધન, સમય વાપરે છે. સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે તેમના નામે કશી માલમિલકત ન હતી. એમણે તો પોતાની જાતને દેશના હિત ખાતર સમર્પી દીધી હતી. રવિશંકર મહારાજને પણ ક્યાં કશી સંપત્તિ હતી ! ને તોય હજારો-લાખો લોકોનાં હૃદયમાં તેમનું ઊંચેરું સ્થાન હતું અને છે. ચિંતા કર્યા કરવામાં સમય વેડફવાની જરૂર નથી. બેરિયલ ફિજર કહે છે તેમ : ‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ એટલો જસમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’

કાર્યરત રહેવામાં ખરી મજા છે. નાનુંમોટું કામ હાથ પર લીધા કરવાની ટેવ કેળવો. તેને કાળજીથી પાર પાડવા મથ્યા કરો. પછી ચિંતા આપોઆપ ગાયબ થઈ જશે. ચિંતાનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તે વર્તમાન સમયની શક્તિનો હાસ કરી નાખે છે અને માણસને નિરાશાની ખાઈમાં ધકેલી દે છે. કોરી ટેન બૂમ સાચું જ કહે છે કે – ‘ચિંતા આપણી આવતી કાલનો વિષાદ ઘટાડવાથી નથી પણ એ આપણી આજની શક્તિમાં ઘટાડો કરે છે.’ ધર્મગ્રંથો એવો જ ઉપદેશ આપે છે કે તું તારા કાર્યમાં રોકાયેલો રહે, બીજાઓ શું કરે છે કે કહે છે એની ચિંતા કરવાનું છોડી દે.
– ડૉ. મોહનભાઈ પટેલ

મને ગમે છે.

ઓક્ટોબર 10, 2009 Leave a comment


કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

“અમૃત ઘાયલ”

Categories: ગઝલો ટૅગ્સ:,

તો ચાલે

ઓક્ટોબર 10, 2009 3 comments

બહુ ઉંચી અપેક્ષા ઑ નથી મારી,
રહેવાને તારા દિલ જેવુ ઘર મડે તો ચાલે
સૂરજ-ચાંદ ના સપનાઓ નથી મારા,
થોડા દીપકો થી અંધકાર તડે તો ચાલે
મઘમઘતા અત્તરો થી જીવન નથી મહેકાવવુ મારે,
થોડા ફૂલો ની સુગંધ ઍમા ભડે તો ચાલે
આખી દુનિયા ની ચાહત નથી જોઇતી મને,
બસ તૂ ઍક જ મારા પ્રેમ મા પડે તો ચાલે
ખુદા ની પણ તકલીફ નથી આપવી મારે,
લખ મારી તકદીર તૂ તારા હાથો વડે તો ચાલે
મારી સુંદરતા પર બહુ કાઇ કહીશ નહી ,
ખાલી મારી આત્મા ને તૂ વખાણે તો ચાલે
હશે!! ઘણુ મેડવવા જેવુ જિંદગી મા,
પણ મને તો ફક્ત તૂ ઍક મડે તો ચાલે…..

Categories: કવિતા ટૅગ્સ:,

વહેમ છે.

ઓક્ટોબર 9, 2009 1 comment

વહેમ છે.
હરિન્દ્ર દવે

Categories: કવિતા ટૅગ્સ:, ,
%d bloggers like this: