Archive

Posts Tagged ‘મા’

‘મા’ શબ્દ એટલે ગુજરાતી ભાષાનું ‘એકાક્ષરી કાવ્ય’

માર્ચ 3, 2010 1 comment

સ્વામી રામતીર્થ સમાજને ગુરુ માનતા. તેઓ એક વખતે જતા હતા તો એક જગ્યાએ આગ લાગતી જોઈ, ધમાલ હતી. શેઠજીની હવેલીમાં આગ લાગેલી અને દોડાદોડી થતી હતી. નોકરચાકર બધા અંદરથી જઈ અને બધો સામાન બહાર કાઢતા હતા. આગ એટલી બધી ભયંકર હતી કે એને બુઝાવવી તો શક્ય નહોતી. એટલે જેટલી વસ્તુ બચે એટલી બચાવી લેવાના પ્રયાસમાં પેલા નોકરચાકર પડ્યા હતા.

શેઠ-શેઠાણી એક બાજુ ઊભાં ઊભાં રડતાં હતાં. એમાં બધાયે આવીને કહ્યું, ‘ શેઠજી, હજી એક વાર અંદર જવાય એટલો વખત છે. તમારી કોઈ બહુ મૂલ્યવાન વસ્તુ અંદર રહી ગઈ હોય તો અમને કહો. હજી એક વાર અંદર જઈ શકાય અને બહાર આવી શકાય એટલો સમય છે. પછી આખા મકાનને આગ પોતાની લપેટમાં લઈ લેશે.’ ત્યારે શેઠજીએ કહ્યું, ‘ભાઈ, હવે હું શું બચાવું અને શું રહેવા દઉ? મારી તો મતિ કંઈ કામ કરતી નથી. તમે જાઓ અને જે હાથ લાગે એ લઈને બહાર આવતા રહેજો, પણ તમે પહેલા તમારી જાતને સંભાળજો. જીવને જોખમમાં ન મૂકતા. જે હાથમાં આવે તે લઈને બહાર આવતા રહેજો.’ એટલે લોકો વળી પાછા અંદર ગયા.

એક વાર જવાનો ચાન્સ હતો એટલે જે કાં ઈ હાથમાં આવ્યું એ લઈને બહાર આવતા રહ્યા અને ત્યાં સુધીમાં તો આખા મકાનને આગે પોતાની લપેટમાં લઈ લીધું, પણ અચાનક શેઠ ચીસાચીસ કરવા લાગ્યા, રડવા લાગ્યા, માથું કૂટવા લાગ્યા. તો શેઠજીને બધાએ પૂછ્યું, ‘શેઠજી, શું થયું?’ તો કહે, ‘આ બધી ઘરવખરી બચાવવામાં અંદરના રૂમમાં મારો દીકરો સૂતો હતો એને બચાવવાનું તો હું ભૂલી જ ગયો.’ એટલે ઘરવખરી બચાવી લીધી. સામાનને બચાવી લીધો અને આ બધી સંપત્તિનો માલિક છે તે દીકરો જ બળી ગયો. શેઠે માથું કૂટ્યું.

સ્વામી રામતીર્થે તરત ડાયરી કાઢી અને ડાયરીમાં નોંધ ટપકાવી કે આ દુનિયામાં આપણે બધા સામાન બચાવવાના પ્રયાસમાં જિંદગી કાઢી નાખીએ છીએ, પણ કોઈ માલિકને બચાવતું નથી. કૃષ્ણને પામ્યા વિના, કૃષ્ણને વર્ણવ્યા વિના લેખિની વડે કૃષ્ણની વાઙમયી પૂજા કર્યા વિના ભગવાન વેદવ્યાસને શાંતિ ન થઈ.

વેદનામાંથી કાવ્યે જન્મ લીધા પછી આદિ કવિ ગણાયેલા વાલ્મીકિઋષિએ પણ પરમાત્માને કાવ્યનો વિષય બનાવ્યા. એ જ રીતે ‘મા’ એવો શબ્દ છે, એક એવો વિષય છે કે એના ઉપર કલમ ચલાવ્યા વિના મોટે ભાગે કોઈ કવિ રહ્યો નથી. મા શબ્દનો મહિમા જ એવો છે. મા શબ્દની મીઠાશ જ એવી છે. એમ કહેવાનું મન થાય કે મા એ આપણી ગુજરાતી ભાષાનું એકાક્ષરી કાવ્ય છે. મા શબ્દ સ્વયં કાવ્ય છે. એકાક્ષરી કાવ્ય છે.

:-

Rameshbhai oza