Archive

Posts Tagged ‘61st Republic day’

પ્રજાસત્તાક બન્યા, પણ આપણે શું કર્યું?

જાન્યુઆરી 26, 2010 Leave a comment


આપણે વધુ એક પ્રજાસત્તાક પર્વ ઊજવીશું, રજા તરીકે. કદાચ સવારે ઘ્વજવંદન કરીશું અથવા ટીવી પર દિલ્હીની પરેડ નિહાળીને તાળીઓ પાડીશું. પછી શું? પ્રજાસત્તાક રાજય બન્યાં પછી, ગણતંત્ર બન્યા પછી શું કર્યું પ્રજા તરીકે આપણે?

આપણે ગુણગાન ગાયાં છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણે કેટલા મહાન છીએ તેના અને આપણો ઐતિહાસિક વારસો કેટલો મહાન છે તેના-આપણે સરકારો ચૂંટી અને આપણા હક્ક માગ્યા. પણ હક્કની સાથે ફરજ પણ હોય છે.

નાગરિકશાસ્ત્રમાં આપણે ભણ્યા છીએ કે હક્ક અને ફરજ સિક્કાની બે બાજુઓ છે. આપણે ફરજ નામની બાજુ તરફ નજર જ નથી નાખતા. કરચોરી કરીએ છીએ, જાહેરમાં થૂંકીએ છીએ, નિયમોનો ભંગ કરીએ છીએ, તંત્રની આંખમાં ધૂળ નાખવાના તમામ ઉપાયો કરી લઈએ છીએ.

અને પછી હક્કની માગણી પણ કરીએ છીએ. સમાજ માટે દાખલારૂપ બને એવું કામ કેટલા નાગરિકો કરે છે? આંગળીના વેઢે ગણાય એટલા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી વખતે કયારેય આ વિચાર્યું છે? દેશ મારા માટે શું કરશે એવું સતત પૂછ્યું છે પણ કયારેય આત્મનિરીક્ષણ કરીને જોયું છે કે મેં દેશ માટે શું કર્યું?

પ્રજાસત્તાક પર્વ હોય કે સ્વાતંત્ર્ય પર્વ, ભારત દેશમાં આતંકવાદી હુમલાની આશંકા હોય છે. ચારેકોર હાઇએલર્ટની વચ્ચે ઉજવણી થાય છે. આતંકવાદીઓ કાંઈ લોકલ સપોર્ટ વગર હુમલા કરી શકે નહીં. સ્થાનિક મદદ તેમને મળતી જ હોય છે.

અહીં દેશ પ્રત્યેની ફરજનો મુદ્દો અગ્રેસર થાય છે. ભલે આવા ગદ્દારોની સંખ્યા ઓછી હશે પણ જેટલા છે તેટલા દેશની સલામતી જોખમાવવા માટે પૂરતા છે. આતંકવાદીઓને ટેકાની વાત બહુ જ ખતરનાક લાગતી હોય તો ધંધામાં કરચોરીની વાત લઈએ.

સ્વૈચ્છાએ પૂરેપૂરો કર ચૂકવી દેનારા કેટલા? અને કરચોરી કરવા માટે ખાસ સીએ નીમનારા કેટલા? ખોટા હિસાબો બનાવનારા કેટલા? રેશિયો કયારેય સમાન નહીં હોય. બહુ જ મોટી અસમાનતા જોવા મળશે.

કરચોરીને પણ જો મોટી વાત માનતા હો તો ટ્રાફિકના નિયમોનો દાખલો લો. હવાલદાર ટ્રાફિક પોઇન્ટ પર ન ઊભો હોય છતાં નિયમોનું પાલન કરનાર કેટલા ?

જયારે પ્રજા પોતાની ફરજો પ્રત્યે જાગૃત થાય અને તેને હક્ક જેટલું જ મહત્વ આપે ત્યારે લોકશાહી પરિપૂર્ણ થાય છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ફરજ પ્રત્યે જાગૃત થવાનો પ્રયાસ કરવાનું પ્રણ લઈએ તોપણ ઘણું છે. – જયહિન્દ.

Article From:-

divyabhaskar.co.in પરથી